સરકારના દબાણ પછી 30,000 કરદાતાએ છુપાવેલી વિદેશી સંપત્તિ જાહેર કરી
સરકારના દબાણ પછી 30,000 કરદાતાએ છુપાવેલી વિદેશી સંપત્તિ જાહેર કરી
Blog Article
ભારતના ઇનકમ ટેક્સ વિભાગના ભારે દબાણ પછી ભારતમાં 30,000થી વધુ કરદાતાઓ 2024-25ના નાણાકીય વર્ષના તેમના આવકવેરા રિટર્નમાં સુધારો કરી આશરે રૂ.30,297 કરોડની વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરી હતી.અગાઉના ઇનકમ ટેક્સ રિટર્નમાં આ માહિતીનો ઉલ્લેખ કરાયો ન હતો અને તેના પર ટેક્સ પણ ભરવામાં આવ્યો ન હતો.
કરદાતાએ રૂ.29,208 કરોડની વિદેશી સંપત્તિ અને રૂ.1,089 કરોડની વિદેશી આવક નવા રિટર્ન જાહેર કરી હતી.
લોકસભામાં ફાઇનાન્સ બિલ પરની ચર્ચાનો જવાબ આપતા નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે અમે એક ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં અમે કરદાતાઓને તેમની વિદેશી આવક અને સંપત્તિઓ સ્વેચ્છાએ જાહેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. આશરે 19,501 પસંદગીના કરદાતાઓને SMS અને ઈ-મેલ મોકલવામાં આવ્યા હતાં, જેમાં તેમને વિદેશી થાપણો વગેરેના આવકવેરાની માહિતીના આધારે 2024-25 માટે ફાઇલ કરેલા તેમના આવકવેરા રિટર્નની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું હતું. આ ઝુંબેશના પરિણામે કુલ 19,501 કરદાતામાંથી 11,162 કરદાતાએ તેમના આઇટી રિટર્નમાં સુધારો કર્યો હતો અને શેડ્યૂલ ફોરેન એસેટ્સ ફોર્મ ભર્યું હતું. તેમાં કુલ રૂ. 11,259.29 કરોડની સંપત્તિ જાહેર કરાઈ હતી. તેમાં રૂ.154.42 કરોડની વિદેશી આવકનો સમાવેશ થાય છે.
નાણાપ્રધાનને જણાવ્યું હતું કે આ ઉપરાંત 883 કરદાતાએ તેમના આઇટીઆરમાં સુધારો કર્યો હતો અને 2024-25 માટેના સુધારેલા રિટર્નમાં તેમના ટેક્સ સ્ટેટસને ભારતીયની જગ્યાએ નોન રેસિડન્ટ કર્યો હતો. નોન-રેસિડન્ટ સ્ટેટસ ધરાવતા ભારતીયોએ તેમની વૈશ્વિક આવક પર ભારતમાં ટેક્સ ભરવો પડતો નથી. આ ઝુંબેશને કારણે બીજા લોકોને પણ અસર થઈ હતી
સીતારામને જણાવ્યું હતું કે 2024-25 માટે તેમના સુધારેલા ITRમાં વધારાના 13,516 કરદાતાએ રૂ.7,564 કરોડની વિદેશી સંપત્તિ અને આશરે રૂ.353 કરોડની વિદેશી આવક જાહેર કરી હતી. આમ એક સરળ ઝુંબેશને પરિણામે 30,161 કરદાતાઓ દ્વારા શેડ્યૂલ FA (વિદેશી સંપત્તિ)માં રૂ.29,208 કરોડની વિદેશી સંપત્તિ અને રૂ.1,089 કરોડ (રૂ. 30,297 કરોડ)ની વિદેશી આવક જાહેર કરી હતી. તેથી વિદેશમાં મિલકતો અંગેની ઝુંબેશના સારા પરિણામો મળ્યા છે, જેમાં કરદાતાઓ તેમની મિલકતો જાહેર કરી રહ્યા છે અને તેમના બાકી નાણાં પણ ચૂકવી રહ્યા છે.